માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન ખાતે "વિઝન ફોર વિકસિત ભારત (VIBHA)" રાષ્ટ્રીય સંશોધન લેખન સ્પર્ધા અંગે માર્ગદર્શન અને નોંધણી કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન  ખાતે તા. ૨૬/૦૭/૨૦૨૪ના રોજ "વિઝન ફોર વિકસિત ભારત (Vision for Viksit Bharat - VIBHA)" રાષ્ટ્રીય સંશોધન લેખન સ્પર્ધાના સંદર્ભમાં સંશોધનાર્થીઓ અને વિદ્યાર્થીઓ માટે પરિચય, પ્રેરણા અને નોંધણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સંશોધનાર્થીઓને "વિઝન ફોર વિકસિત ભારત" અભિયાનના ઉદ્દેશો, રાષ્ટ્રીય સંશોધન લેખન સ્પર્ધાની પ્રક્રિયા, સંશોધનના વિષયોની પસંદગી, સંશોધન લેખન પદ્ધતિ તથા રાષ્ટ્રીય સ્તરે યોજાતી સ્પર્ધામાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

કાર્યક્રમમાં વિભાગના વડા ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર સંશોધનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યુવા સંશોધકોનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે વિદ્યાર્થીઓને નવીન વિચારો, સંશોધન આધારિત અભિગમ અને રાષ્ટ્રીય વિકાસના વિવિધ વિષયો પર ઉચ્ચ કક્ષાનું સંશોધન કરવા માટે પ્રેરિત કર્યા હતા.

પ્રસંગે ભારતીય શિક્ષણ મંડળ, સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન દાયિત્વ  વિસ્તારક શ્રી રાજકુમાર સિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે "વિઝન ફોર વિકસિત ભારત" અભિયાનના હેતુઓ, રાષ્ટ્રીય સંશોધન લેખન સ્પર્ધાની વિશેષતાઓ તથા વિકસિત ભારતના નિર્માણમાં વિદ્યાર્થીઓ અને સંશોધનાર્થીઓની રચનાત્મક ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સંશોધનને માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિ ગણતા, પરંતુ રાષ્ટ્ર નિર્માણનું અસરકારક સાધન તરીકે સ્વીકારવાની અપીલ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સંશોધન લેખન સ્પર્ધામાં ઓનલાઈન નોંધણી પ્રક્રિયા, સંશોધન લેખ તૈયાર કરવાની પદ્ધતિ અને સ્પર્ધાના વિવિધ પાસાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે વિભાગના અધ્યાપક ડૉ. સાગર અમીપરા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

પ્રકારના માર્ગદર્શન કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ અને સંશોધનાર્થીઓમાં ગુણવત્તાસભર સંશોધન પ્રત્યે અભિરુચિ વિકસે છે, રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી વધે છે અને વિકસિત ભારતના નિર્માણમાં યુવા સંશોધકોનું યોગદાન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ પ્રેરણા પ્રાપ્ત થાય છે.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

26-07-2024